કેમ ક્યાંના પ્રશ્ન મારા હાથ પકડે.
હર વખત કંઇ ના કિનારા હાથ પકડે.
રાખ સપનાની તમે સ્હેજે ઉડાડો,
એ પછી ઝળહળ તિખારા હાથ પકડે.
તું દીવાલો ચીતરીને શું કરે છે?
ખોલ બારી તો નજારા હાથ પકડે.
જો સમયસર એને પકડી લ્યો તમે તો,
એક-બે મોઘમ ઇશારા હાથ પકડે.
આભ જોવાની જરા હિંમત કરી જો,
બસ પછી જોજે સિતારા હાથ પકડે.
કેટલી રાહત થશે ત્યાં આયનાને,
જ્યાં હકીકત જાણનારા હાથ પકડે.
જોઈ લેજો થાય છે શું આ સ્મરણથી,
જે ઘડીએ એ તમારા હાથ પકડે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply