કરો પણ અહીં ને ભરો પણ અહીં છે.
તમસ, તેજનો આશરો પણ અહીં છે.
તું અફસોસ, ફરિયાદ નેવે મૂકીને,
મળે ખુદને તો અવસરો પણ અહીં છે.
નથી માત્ર શબ્દો આ બારાક્ષરીમાં,
થયા મંત્ર એ અક્ષરો પણ અહીં છે.
તમે ફૂલ માફક ખીલો ને ખરો તો,
આ મોસમ મુજબ વાયરો પણ અહીં છે.
પુરાવો નજરનો ને દ્રષ્ટિનો મળશે,
પહાડોની વચ્ચે ઝરો પણ અહીં છે.
જરા સ્થિર થાવા કવાયત કરો તો,
સવાલો અને ઉત્તરો પણ અહીં છે.
બધી શક્યતાઓ તમારી તપાસો,
અહીં આભ ને ઉંબરો પણ અહીં છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply