કૈંક તો મારું ય ધાર્યું થઈ જશે,
એક પાનું ખાસ પાનું થઈ જશે.
જ્યાં બહાનું સાવ સાચું થઈ જશે,
ત્યાં પછી મળવું મજાનું થઈ જશે.
જો, તમે તમને જ મળવા જઈ શકો,
શક્ય છે દર્પણ દિવાનું થઈ જશે.
હાથ બ્હારે જાય નહિં જોવું પડે,
મન નહીં તો આઘું-પાછું થઈ જશે.
એનું હોવું શ્વાસનો પર્યાય છે,
ચિત્ર થોડું છે કે ઝાંખું થઈ જશે.
ઠીબ પાણીની તમે મૂકી જુઓ,
સાવ સૂકુ ઝાડ ગાતું થઈ જશે.
પ્રશ્ન નડતા હોય છે એ સાચું પણ,
આખરે તો એ જ ભાથું થઈ જશે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply