કદાચિત્ ને લગભગ ને અથવાની વચ્ચે.
આ હોવું દલીલો ને દાવાની વચ્ચે.
નથી નોંધ લીધી એ ઘટનાની વચ્ચે
કશું તો ખૂટે છે ઉમળકાની વચ્ચે.
જવાબો એ એથી નથી સ્વસ્થ જન્મ્યા,
સવાલો છે મનના ઉધામાની વચ્ચે.
પછી તેજનો અર્થ સમજાયો સાચો,
મેં ગુલમ્હોર જોયો જ્યાં તડકાની વચ્ચે.
બધી શાન, શૌકત ને મહિમા ય રહેશે,
નદી જ્યાં સુધી છે કિનારાની વચ્ચે.
પમાશે ઘણું ને ઘણું બાદ થાશે,
કશું યે નથી ના ખુલાસાની વચ્ચે.
મેં ફૂલો સમી રાખી જાહોજલાલી,
બધી મોસમોના ઉતારાની વચ્ચે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply