કાચા ઘડાના ઘાટનો કૈં અર્થ સરશે નહિ.
ને, વ્યર્થ આ રઘવાટનો કૈં અર્થ સરશે નહિ.
જોઇ શકે જ્યાં તું તને, એ તેજ ખપનું છે,
બીજા બધા ચળકાટનો કૈં અર્થ સરશે નહિ.
એ બારમાસી હોય પણ ના હોય તાજગી
એ પ્યાસ એ તલસાટનો કૈં અર્થ સરશે નહિ.
ના હો વળાંકો-ઢાળ, તો આગળ જવાશે પણ,
સીધી સરળ એ વાટનો કૈં અર્થ સરશે નહિ.
વાદળ થઇ વરસી જવા, દવ ભીતરે તું રાખ,
આ બ્હારના ઉકળાટનો કૈં અર્થ સરશે નહિ.
ખીલી-ખરી ને વાત બસ તારી તું કર અહીં,
ખાલીપાના ખખડાટનો કૈં અર્થ સરશે નહિ.
આંસુ તેં કોઇના કદી લૂછ્યા ન હોય તો,
તર્પણને કાજે ઘાટ નો કૈં અર્થ સરશે નહિ.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply