કામ ક્યાં અઘરું કશું કરવાનું છે ?
કાલનું સપનું ખરું કરવાનું છે !
ભીતરેથી કોઈ દોરે છે સતત,
એ સ્મરણ હૈયાવગું કરવાનું છે.
ધ્યાન, પૂજા, આરતી ની આડમા,
નામ અહિં થોડું ઘણું કરવાનું છે.
માર્ગ ને મંઝિલ વિશે નિશ્ર્ચિંત થઈ,
બસ, નદી જેવું ગજું કરવાનું છે.
હાથ લંબાવો, ઉપાડો પગ તમે,
હેસિયત થી ક્યાં વધુ કરવાનું છે.
આટલી વાતે ચિડાયો આયનો,
છે હ્રદયમાં એ રજૂ કરવાનું છે.
ભાર શેનો હોય છે એ જાણવા,
હું ના વળગણને જતું કરવાનું છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply