કાં લાગણી. કાં વેદના, ચડતર મળે.
અપવાદથી ખાતાવહી સરભર મળે !
તારી કને પથ્થર સરીખા પ્રશ્ન ને,
મારી કનેથી ફૂલ સમ ઉત્તર મળે !
મનમાં સતત ગુલમ્હોરને ઘૂંટ્યા કરું,
નિંશ્ચિંત છું, ફાગણ મળે, ચૈતર મળે !
છે સાર મારી જાતનો બસ આટલો –
દુઃખો સતત ને સુખ મને પળભર મળે !
અસ્તિત્વ મારું દંભ છે, સાબિત થયું,
દર્પણમાં આ ચ્હેરો જુદો નહિંતર મળે ?
એથી ગઝલને નોતરું છું જીવથી,
કે, શબ્દરૂપે આખરે ઈશ્વર મળે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply