જો આવ્યું એક વાદળ કોરુકટ વરસાદ હું ક્યાંથી લાવું?
વરસતા મૃગજળમાં, કાયમી ભીનાશ હું ક્યાંથી લાવું?
અભાવોના ઉગ્યાં છે ફૂલ ઇચ્છા હચમચાવી જ્યાં સઘળી
ને લીલીછમ બધી યાદોની એ લીલાશ હું ક્યાંથી લાવું?
ચમકતો કાચનો ટુકડો હિરા જેવો દિસે અજવાળામાં
ને અંધારાથી લથપથ આભમાં અજવાશ હું ક્યાંથી લાવું?
લે ગંજીપાની બાજીમાં મે ચણ્યો મ્હેલ રૂપાળો આખો
સતત જીતે તું એવી બાજીની એ તાસ હું ક્યાંથી લાવું?
તું સામે હોય તો ગમતુ રૂપ મારૂં આયનાંમાં ઉભરે છે
વિના તારા, ચહેરા પર નવી લાલાશ હું ક્યાંથી લાવું?
તમારી છે તો એ કાયમ તમારા હાથમાં સચવાઇ જાશે
હથેળીમાં નવી રેખાનો એ આભાસ હું ક્યાંથી લાવું ?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply