જે સ્થિર લાગતા’તા એ દિવસો જતા રહ્યા.
ઓછાયા એના આજને અજવાળતા રહ્યા.
હોવાપણાનો ભાર હવે લાગતો નથી,
ઘટના અને બનાવ મને માંજતા રહ્યા.
સંજોગ ને સમયનો પરિચય થયા પછી,
પાણીની પહેલાં પાળ અમે બાંધતા રહ્યા.
ફૂલોની તાજગીની કરે વાત વાયરો,
કંઇ પણ થવાના યત્ન વગર ખીલતા રહ્યા.
આ દાખલા, દલીલ કશા કામના નથી,
વધવાના મોહમાં તમે ઓછા થતા રહ્યા.
મોટા થવાની આડ અસરમાં તમે હવે,
બસ, આયનામાં હાજરી પુરાવતા રહ્યા.
અંતર જરૂરી હોય છે.. ના ગીત ગાઈને,
સૌ જાત એકમેકથી સંતાડતા રહ્યા.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply