જાતને બસ આટલું તું જાણ કર.
લાગણીનું ક્યાંક તો રોકાણ કર.
જે મળે છે એ બધું ગમશે તને,
ભીતરે છે એની જો તું લ્હાણ કર.
પાર થાવું એટલું મુશ્કેલ ક્યાં છે?
તું અગર સમજણનું વ્હેતું વ્હાણ કર.
ખુદબખુદ વિસ્તાર તારો થઇ જશે,
વાત ને વિચારમાં ઊંડાણ કર.
સ્હેજ પણ ખૂંચે નહીં પથ્થરપણું,
કૂંપળો માટે જરા પોલાણ કર.
રીત આ સમતળ થવાની છે ખરી,
કરવી હો ખેરાત તો ખેડાણ કર.
થઇ જશે નિ:શેષ તું પણ એક દિ’
જીવ સાથે જીવનું જોડાણ કર.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply