જાતને, વાતવાતમાં ટોકવાનું રહેવા દઈએ તો સારું,
આ સારું એ ખોટું, તોલવાનું જાવા દઈએ તો સારું.
ચડતાંને પકડી લોક ઉપર ચડે, ના પડતા સાથ પડે,
પકડાપકડી છોડીને, આગળ વધવા ચડિયે તો સારું.
કાચાં ફળ ખવાય નહિ, ને પાકાં પડી રહે એ ગંધાય,
કહોવાયેલું કાપી, બાકીનું બચાવવા સહીએ તો સારું.
દરિયો અફાટ છલકાય, ને મૃગજળમાં જળ વર્તાય,
કૂવાથાળ તરસ્યાને ખોબામાં પાણી પાઈએ તો સારું.
ધર્મના નામે ધતિંગ ને, પ્રભુ સામે અન્નકૂટ વેડફાય,
ભૂખ્યા પેટનો ખાડો અન્નથી પૂરવા દઈએ તો સારું.
નક્કી થયેલી ક્ષણો મહીં આ જીવન અટકી જવાનું છે,
અટક્યાં પહેલાં સાચું જીવન જીવતાં જઈએ તો સારું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply