જાગતા આ દિલ ધડકતા હોય છે,
પથ્થરો ક્યારે સમજતા હોય છે?
તાજગી આવી જરા શું છોડ પર,
ફૂલથી ગર્વો છલકતા હોય છે.
ઘરથી રસ્તે ભય,ધ્રુજારી, કંપનો,
બ્હાર તોયે પગ નીકળતા હોય છે.
કયાંય અંધારું નથી જ્યાં જાવ ત્યાં,
દિલના દિવાઓ સળગતા હોય છે.
ચાંદ,સૂરજ,જળ,પવન ને આ હવા,
કેમ સૌ નિયત બદલતા હોય છે?
કંઇ રીતે આવું હું તારા શહેરમાં!,
લોક તો દુશ્મન સમજતા હોય છે.
માત્ર કાફી નામ છે સ્વર્ગસ્થનું,
કર્મથી કાયમ ચળકતા હોય છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply