જાતને થોડી પલોટી જોઈ મેં
લાગણીની ધાર કાઢી જોઈ મેં
આ હ્રદયને બોલવા દીધું અને-
દુઃખતી રગ ને દબાવી જોઈ મેં
હાંસિયામાં મેં મૂક્યું હોવાપણું
જિંદગીની પ્રત મઠારી જોઈ મેં
સામટા ભ્રમ ભાંગશે ન્હોતી ખબર
વાત મારી બસ વખોડી જોઈ મેં
દૂરનું ચોખ્ખું હવે દેખાય છે
જ્યાં નજરને સ્હેજ વાળી જોઈ મેં
જળ કમળવત્ છું છતાં છું હેમખેમ
આ સમયની ચાલબાજી જોઈ મેં
સ્થિર થાવાની કવાયત મેં કરી
પ્રેમની પીડા વહોરી જોઈ મેં
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply