જાતને પુરવાર કરવા કેટલું કરવું પડે.
ને, કદ્દીક તો સાંભળ્યું ના સાંભળ્યું કરવું પડે !
શક્ય છે જે કૈં થયું તે ના થયું કરવું પડે.
કાલ માટે, કાલ થી આજે વધુ કરવું પડે !
હાથમાં ના હોય એ બાબત નો લાગે ભાર તો,
આંખ આડા કાન રાખી ને ઘણું કરવું પડે !
મન મુજબ રહેવામાં કૈં ખોટું નથી પણ, સૌ પ્રથમ-
મન ઉપર રાખી નજર, મન ઠાવકું કરવું પડે !
વાત ટાણું સાચવી લેવાની જ્યારે હોય ત્યાં,
સ્મિત સાધી અશ્રુને સ્હેજે ગળ્યું કરવું પડે !
અહિં ફરજની વેદી પર હોવાપણું હોમી અને,
દીકરીને બાપનું ઘર પારકું કરવું પડે !
સુખ કપૂરી હોય છે આપી શકે ના હૂંફ એ,
હૂંફ માટે દર્દનું બસ, તાપણું કરવું પડે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply