જાતથી સંધાન કરવું પણ જરૂરી છે.
એકલા પ્રસ્થાન કરવું પણ જરૂરી છે.
આપણું હોવું સલામત રાખવા માટે,
મનને થોડું મ્યાન કરવું પણ જરૂરી છે.
બીજની સંભાવનાઓ જોઈ ને લાગ્યું,
સ્વપ્નનું સન્માન કરવું પણ જરૂરી છે.
ઘર કરી એ મનમાં બેસી જાય નહિ એથી,
પીડાનું અપમાન કરવું પણ જરૂરી છે.
ત્યાગવું ને પામવું એમજ નથી થાતું,
ડાળ માફક ધ્યાન કરવું પણ જરૂરી છે.
કોઈ આવી ને હ્રદય ખોલી શકે સ્હેજે,
ભીતરે એ સ્થાન કરવું પણ જરૂરી છે.
સાચવી લ્યો છો સમય એ વાત સારી પણ,
ક્યાંક એનું દાન કરવું પણ જરૂરી છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply