ક્યાં કોઈ થી હું વાદ કે વિવાદ કરું છું ?
મારી આ ગઝલમાં મને હું સાદ કરું છું.
અંધારના પ્રશ્નો બધા કોઠે પડી ગ્યા તો,
અજવાસના ઉન્માદની ફરિયાદ કરું છું.
સ્વીકાર સમયના બધા રંગોનો કરીને,
આ સાદગીથી હું મને આબાદ કરું છું.
અણસાર ઉદાસીનો કદી ક્યાંય ન આવે,
એ રીતે સરેઆમ હું સંવાદ કરું છું.
માન્યું કે નસીબે જે હતું એ જ મળ્યું છે,
પણ આપું છું એ વાતે હું અપવાદ કરું છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply