હું વગરની હર ઘડીનું તેજ નોખું હોય છે.
આ સમજ આ સમજૂતિનું તેજ નોખું હોય છે.
વીજમાં, વાદળમાં, તડકામાં કે ઠંડીમાં જુઓ,
મોસમી કારીગરીનું તેજ નોખું હોય છે.
એક-બે ટહુકા, તણખલાંનો છે વૈભવ તે છતાં,
સાવ સૂકી ડાળખીનું તેજ નોખું હોય છે.
તળને તાગો કે સપાટીએ તરો એ ગૌણ છે,
જ્યાં અનુભવની ધરીનું તેજ નોખું હોય છે.
રંગ ને સુગંધનો મહિમા ભલે હો ચોતરફ,
પણ, સફેદી સાદગીનું તેજ નોખું હોય છે.
અહિ દીવાલો ને ખૂણા ને ઉંબરાના કારણે,
કેટલીયે જિંદગીનું તેજ નોખું હોય છે.
કૈંક લેવા, આપવાની દોડમાં પણ આખરે,
સ્થિર થાવાની ગતિનું તેજ નોખું હોય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply