હું અને તું સખી સરોવર પાળે
અહી દિન ઢળે રૂડી સાંજ પડે
આભે ઓઢી તેની લાલ ચૂનર
પાણી મહી તેના બિંબ જડે….
હું અને તું સખી સરોવર પાળે.
મંદિર મહી ઘંટારાવ બાજે
જોઈ સુતા પ્રભુ આળસ ત્યજે
જોઈ મુખડું મલકતું તેજોમય
ચડ્યો સુરજ શરમે નીચે ઢળે …
હું અને તું સખી સરોવર પાળે
આકાશે, ઉડતા પંખી ટોળે વળી
દીવા ટાણે સહુ ઘર ધણધણે
નાં ગાય બકરાને નકશા નડે
પડે સાંજ ને ખિટે શોધ્યાં મળે …
હું અને તું સખી સરોવર પાળે
ઉગતી જવાની મૌજે મળે
ઢળતી લઇ લાકડીને ટેકે ફરે
ઝટ પગલા માંડતી ઘર ભણી
એ પનીહારી ઝાંઝરે ખણખણે …
હું અને તું સખી સરોવર પાળે
જતા જોઈ ઉજાસને અંધારું રડે
તેને રડતું ભાળી આભે ચાંદ જલે
આજ આવ્યું કાલે એ જાશે બધું
કોણ આવન જાવનના ફેરા ગણે ….
હું અને તું સખી સરોવર પાળે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply