એ આવ્યા આજે
મારે આંગણે
હાથમાં મસમોટી
સૂટકેશ લઈ…
વાંચીને એક
સમાચારપત્રની
જાહેરાત. …
“શમણાંની લિલામી”
એ શમણાં …જે
મારી ખુલ્લી આંખોમાં
એમણે જ આંજ્યા હતા
સૂતા-જાગતા,
ઉઠતા-બેસતા,
વિચારોમાં,
વ્યસ્તતામાં,
તંદ્રામાં,
તલ્લીનતામાં…
મારા દરેક શમણે
એ… એ… ને બસ એ જ હતા.
એમને આવડતું હતું
શમણાંને પારખીને મૂલવતાં.
ખરું પૂછો, તો એ જ હતા
મારા શમણાંના વારસદાર.
એટલે સૂટકેશ ખોલી
મારી સામે મૂકી
ને આપ્યું મારા હાથમાં
વરસો પહેલાં મેં આપેલ
અભિવ્યક્તિથી છલોછલ ભરેલ
પ્રથમ ભેટ રૂપી એ
ગુલાબી પરબિડીયું.
મારા શમણાં હસ્તગત કરી
એ ચાલવા માંડ્યા
હસતા મુખે …
હું જોતી રહી
એમની પીઠ
અને
હવામાં ઉડતું
એ ખાલી પરબિડીયું …
~ હેમશીલા માહેશ્વરી “શીલ”
Leave a Reply