હા, હશે ક્યાંક અંતરાય હશે.
શક્ય છે એ સમયનો ન્યાય હશે.
આટલી વાતે મારું ધૈર્ય ટક્યું,
કે, સમય પાસે તો ઉપાય હશે.
પાન પીળા ફરજ નિભાવી ખર્યા,
એમાં સામેલ આ હવા ય હશે.
રંગ જોઈને કોણ માની શકે ?
સૂર્યને આપી ત્યાં વિદાય હશે.
સ્હેજ નોખી રીતે વિવાદને જો,
આગવી ને અલગ એ રાય હશે.
મારી આ તાજગીના મૂળમાં તો,
જે હ્રદયમાં છે એની ઝાંય હશે.
આ તમારા વલણથી લાગે છે કે,
લાગણી કે લગાવ ત્યાં ય હશે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply