ક્યાં ગાલિબ, મીર કે ઘાયલ થાવું છે
શબ્દ જો બને નટરાજ, તો પાયલ થાવું છે
મુબારક તને આ મહેબૂબ મારો,
મારે તો શારદાનાં રાજીપાનું કાયલ થાવું છે
એવી કંઈ ગોળી ઉંઘની છે, પૂછવાં જાવું છે
મખમલ તળાઈ છોડી ઝુંપડે સુવા જાવું છે
હશે ભાજી, તાંદુલ ને બોર મીઠાં ખૂબ
પ્રસાદ એ પામવાં રામકૃષ્ણ થાવું છે
છે મોજ ભોગે,એ સાવ ખોટી કથા
એવરેસ્ટ ના શિખરે, એકલતા ની વ્યથા
ક્યાં શાવર ને પુલે તાજગી
મન ભરીને માં નાં હાથે નહાવું છે
બનું હું ય કૃષ્ણ પણ ક્યાં સુદામા
રડું ચોકે ચોધાર, તોય પૂછે બધાં,મજામાં?
મળે જો દોસ્ત શેરી કે તાળી વાળો તો ય
અકબંધ આંસુ આયખાંનું, એને ખભે વહાવવું છે
બન્યો માનવી તો, કાન્હા ને ય ખબર પડી ગઈ
દગે માર્યો ભીષ્મ, સોબતની અસર નડી ગઈ
મા નું માખણ ખાધાં વિના આવ કુરુક્ષેત્રે
મુખેથી તારાં બ્રમ્હાન્ડ ઓકાવવું છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply