ભાલે બિંદી ચમકારા લેતી
તેજ નિતરતી
પાંપણ ઢળતી
કાજળ કાળી આંખો વાળી
નજરું એની છે અણિયારી
હે આવે છે એવી પનિહારી…
ઓઢી ચૂંદડી
ફરે ફુંદડી
મસ્તી કરતી
જળને ભરતી
બેડું કમ્મર લટકે મટકે
પાણી છલકે
મુખડું મલકે
અટકે મટકે એવી જાણે
ધક ધક ધડકન દલમાં ખટકે
પગલી પગલી જ્યારે પડતી
આંખ્યું એનો પીછો કરતી
ત્યારે ત્યારે ગુસ્સો ભરતી
કાજળ કાળી આંખો વાળી
નજરું એની છે અણિયારી
હે આવે છે એવી પનિહારી…
મદમાતી એ કાયા ધરણી
પળિયા રેશમ દુધલ વરણી
હરણી જેવી ભાસે આખી
શ્વાસે ઉતરે એવી સમણી
લાગી તાજા સમણા રમણા
નખશિખ રા નખરાં
મ્હેકે ગજરા
વાણી તીખી
વેણ નિકળતા
રેલા નિસરે
ખળખળ ખળખળ વહેતાં રહેતાં
લાગે જાણે કલરવ ઝરણા
એ ઝરણા જેવી રમણા…
કુંજા જેવી કટ્ટી ઢળતી
અંગ મરોડી એવી વળતી
જાણે મેના ઋષિ છળતી
નખરાળી ને ઘમંડ ભળતી
કાજળ કાળી આંખો વાળી
નજરું એની છે અણિયારી
હે આવે છે એવી પનિહારી…
– ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Leave a Reply