ગમતા બધા આધારની હદ હોય છે.
પરપોટાના વિસ્તારની હદ હોય છે.
અજવાળું ભોં ફાડી અને ઊગી જશે,
ઘેરાયલા અંધારની હદ હોય છે.
અંજળ અને ૠણ હોય તો પણ આખરે,
સંબંધમાં સ્વીકારની હદ હોય છે.
તું નાડ તારી પારખી લે તો ઘણું,
સંજોગવશ ઉપચારની હદ હોય છે.
પાછળ ફરીને જોવાથી સાબિત થયું,
આગોતરા અણસારની હદ હોય છે.
ફૂલોએ રાખ્યું તેજ ખુદનું કેમ કે,
ઝાકળભીના શૃંગારની હદ હોય છે.
હું એટલે પગભર કરું છું આજ ને,
ગઇકાલના વહેવારની હદ હોય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply