ગમા ને અણગમાની ખાસિયત ખપમાં લીધી.
હું જે છું તે થવાની ખાસિયત ખપમાં લીધી.
ખુશી ક્યાં છે ? નો ઉત્તર આપવામાં આખરે,
મેં મારી સૌ કળાની ખાસિયત ખપમાં લીધી.
વધારે થાય શું બીજું કિનારે પ્હોંચવા?
તરસ જીવાડવાની ખાસિયત ખપમાં લીધી.
આ હોવું ને થવું કૈં એમ તો ના પરવડે
વિષમ ને સમ હવા ની ખાસિયત ખપમાં લીધી.
વજન જ્યાં પાડવાની વાત આવી ત્યાં પછી,
દલીલો દાખલાની ખાસિયત ખપમાં લીધી.
નસીબે જે નથી એની તમા રાખ્યા વગર,
મળ્યું છે એ બધાની ખાસિયત ખપમાં લીધી.
હશે ગુંજાશ મારી કેટલી એ જાણવા,
સમયસર થઇ જવાની ખાસિયત ખપમાં લીધી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply