ફૂલડાં સૌ, હારમાં નહિ આવશે,
જો… સુગંધો પ્યારમાં નહિ આવશે.
પક્ષીઓ લોભાવતા નહિ આવડે,
કાલ એ સરકારમાં નહિ આવશે.
નાટકો પડદાની પાછળ થાય છે,
એ ખબર અખબારમાં નહિ આવશે.
આઈના તૂટી જશે પણ, દોસ્તો-
પ્રશ્ન કો’ તકરારમાં નહિ આવશે.
પ્યારની ભાષા તો બાકી નહિ રહે,
સત્ય પણ વ્યવહારમાં નહિ આવશે.
લાગણી ઝરણા સમી વ્હેતી મળે,
કોઈ પણ આકારમાં નહિ આવશે.
ઈશ્ક , શ્રદ્ધા, માણસાઈ, દોસ્તી,
સજ્જનો તહેવારમાં નહિ આવશે.
કોણ કહે છે , મચ્છરોના લશ્કરો,
આપણા વિસ્તારમાં નહિ આવશે!!
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply