જગ તો માં બાપે,બતાવ્યો છે મને,
ફૂલડાં સિંચી સજાવ્યો છે મને.
એમના સૌ ટેન્શનની છે ક્રુપા,
કૈ ‘ દુવાઓએ જીવાડ્યો છે મને.
આ દુ:ખોની મહેર પણ ઓછી નથી,
પેટ પકડીને હસાવ્યો છે મને.
ઊંઘી રહ્યો’ તો હું મસ્જિદમાં જરા,
એક મુલ્લાં એ જગાડ્યો છે મને.
ખૂબ ઉત્તમ લોક છે આ ગામના,
જેમણે સારો બગાડ્યો છે મને.
એક બાળક કાલ અવગણતો હતો,
ફ્રેમમાં ભીંતે મઢાવ્યો છે મને.
જેમને પાઠો શીખવ્યા’ તા કદી,
એમણે ક્યારે ભણાવ્યો છે મને.
એક જરા આપી સમજ શું ક્રોધને,
પ્રેમથી રસ્તો બતાવ્યો છે મને.
રૂબરૂ ‘ સિદ્દીક ‘ હજુ મળ્યો નથી,
કોઈએ દિલમાં શમાવ્યો છે મને.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply