એકધારી જિંદગીને કાટ લાગે શક્ય છે.
જીવવાના રસ-રુચીને કાટ લાગે શક્ય છે.
ઝળહળે છે સાથિયા, તોરણ અને દીવા છતાં,
રાહ જોતી ઓસરીને કાટ લાગે શક્ય છે.
હું વિચારો સાચવીને ક્યાં સુધી રાખી શકું?
વાપરું નહિ એ મૂડીને કાટ લાગે શક્ય છે.
માપ બ્હારે જો ગમાડો કે વખોડો તો પછી,
બિંબની જાદુગરીને કાટ લાગે શક્ય છે.
વાદ કે સંવાદની ના હોય જો સંભાવના,
એક-બે ગમતી છબીને કાટ લાગે શક્ય છે.
શોષ ટહુકાનો પડ્યો છે શ્હેરના સૌ ઝાડને,
ભરવસંતે ડાળખીને કાટ લાગે શક્ય છે.
સાદ તારો સાંભળીને જો સમય ઊભો રહે,
એની સૌ કારીગરીને કાટ લાગે શક્ય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply