એક જણની સામે, સાચા થઈ જુઓ !
ને, અરીસા તોડી, હળવા થઈ જુઓ !
સ્થિરતા સંબંધમાં આવી જશે,
બસ, સમયસર વત્તા-ઓછા થઈ જુઓ !
નહિં રહે અફસોસ પીળા પાનનો,
ક્યાંક કુંપળ, ક્યાંક ટહુકા થઈ જુઓ !
ભીતરી અસબાબને પામી શકો,
માર્ગ ભુલેલાના નક્શા થઈ જુઓ !
થઈ જશે પળવારમાં એ ઠાવકું,
મન ગળ્યું માંગે તો, કડવા થઈ જુઓ !
સાવ સીધા લાગશે રસ્તા બધા,
હા, નદીની જેમ વહેતા થઈ જુઓ !
સૂર્યનો મહિમા જ કરવો હોય તો. .
રાત ટાણે સ્થિર દીવા થઈ જુઓ !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply