એક જ રમતમાં પણ પડે પાસા અલગ
સંવેદના સરખી છતાં પરવા અલગ
એળે કશું જાતું નથી, સમજાઈ ગ્યું
તડકા અને છાંયાનો છે મહિમા અલગ
નોખું-નવું એથી જ તો લાગ્યા કરે
છે કાલની ને આજની ગાથા અલગ
વાંચું, લખું ને સાંભળું, બોલું કદીક
અજવાળું કરવાના મળ્યા નુસખા અલગ
બદલાવ રાતોરાત કંઇ થાતો નથી
મનમાં, હૃદયમાં થઈ હશે ચર્ચા અલગ
સમભાવ ઝાકળ જેમ વરસે ને ઉડે
લીધા-દીધાના હોય જ્યાં ખાતા અલગ
મળશે સમયની દાદ પણ સ્હેજે તને
ખુદના જ લયમાં ગીત ગાવાના અલગ
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply