એક બે વાતો ઉઝરડાની મળી.
ફૂલના ચહેરા ઉપર લાલી મળી.
થોડી અલ્લડ થોડી અલગારી મળી.
જિંદગી પણ આમ વરણાગી મળી.
ના થઈ ચર્ચા કદી જે વાતની,
નોંધ એની હાંસિયામાંથી મળી.
કંઈ નથી..એવી દલીલથી આખરે,
કૈંક તો છે..એવી એંધાણી મળી.
માંગ એની કઈ રીતે પૂરી કરું?
ઈચ્છાની વણઝાર તકવાદી મળી.
પ્રેમમાં શું શું મળ્યું, સાચ્ચું કહું?
દૂરતા ઘેઘૂર ને ઘાટી મળી.
માપસર અંતર હતું બન્ને તરફ,
લાગણી પણ કેવી સંસ્કારી મળી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply