દોડું સમયની સાથે છતાં હારવા ન દે.
આ લાગણી છે એમ તો કૈં થાકવા ન દે !
પ્રશ્નોને ખાળવાની સમજ આમ કેળવી,
કે. . વૃક્ષ પાનખરને કદી ફાવવા ન દે !
ઋણાનુંબંધ કેવો હશે એની સાથે નો ?
ખાલીપો એકલું જરીયે લાગવા ન દે !
તારી પહોંચ હોય તો બસ, આટલું તું કર,
તારા સ્મરણ ને મારા સુધી આવવા ન દે !
પાસા કદાચ ઊંધા સમયના પડ્યા હશે,
નહિંતર એ જાત સાથે મને ચાલવા ન દે !
વિસ્તાર તારો થઈ જશે આ એક વાતથી,
ઈચ્છાની ડાળખીને અગર ફાલવા ન દે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply