દર્પણ ભરમનું તૂટ્યું, એ ઘાત થઇ સવાઈ,
ખુદ્દને જડું છું એવી, નિરાંત થઇ સવાઈ.
‘ઊભા રહો નમીને’, આ પાઠ લેખે લાગ્યો,
તરણાં ની જેમ અહિંયા, આ જાત થઇ સવાઈ.
કોઈ ના આગમનની ધારી અસર થઈ છે,
નિઃશેષ થઇ શક્યાની, મિરાત થઇ સવાઈ.
સ્હેલું તો ના હતું પણ, પાછા વળ્યા સમયસર,
આગળ જવાની ત્યાંથી, શરૂઆત થઇ સવાઈ.
પર્ણો ખર્યાનાં ગાણાં ક્યાં ડાળખી એ ગાયા ?
કૂંપળની એની પાસે, પુરાંત થઇ સવાઈ.
ખૂણાં એ હૂંફ આપી ભારેપગી ક્ષણો ને,
પીડાની પણ જુઓ ત્યાં રજૂઆત થઇ સવાઈ.
સન્માન લાગણીનું, સ્હેજે થઈ ગયું છે,
જીદ્દ જીતવાની છોડી, તો મ્હાત થઇ સવાઈ.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply