દર્પણ ભરમનું તોડી નિર્ભ્રાંત થઇ ગઇ છું
ખોટી જિજીવિષાની હું ઘાત થઇ ગઇ છું
અજ્ઞાત થઇ ગઇ છું ને જ્ઞાત થઇ ગઇ છું
આ ક્ષણનો મહિમા જાણી નવજાત થઇ ગઇ છું
જાણું છું હું મને શું ? આ એક પ્રશ્ન લઇ ને
ખુદ્ નો જ ન્યાય કરવા તૈનાત થઇ ગઈ છું
કાં કેમ છો ? નો ઉત્તર ડાળીએ આમ આપ્યો
મોસમ મુજબ ફળીને રળિયાત થઇ ગઈ છું
હળવાશ મારા નામે આ રીત થી કરી મેં
મારી જ સામે મારા ઉપરાંત થઇ ગઈ છું
વ્હેવાનું, થીજવાનું કોઠે પડી ગયું છે
સંવેદનાની ધારે પ્રખ્યાત થઇ ગઇ છું
વ્હેતા સમયની સાખે ઊગું છું આથમું છું,
આપું છું ખુદને એવી સોગાત થઇ ઞઈ છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply