દિવસ રાત ઘટાઘોપ થઇ વરસતાં વરસાદને માથે ઠપકારી મેં એક વરસાદી કવિતા …
છોને આ આભ ટપકે આખી રાત
પણ ટપકતાં નેવાં ક્યાંથી લાવવાં ?
છાપરે ચડીને કરે એ સળવળાટ
તોયે આગણાં ભીના ક્યાંથી લાવવાં ?
નહાવાનું મન તો ઝાડને પણ ઘણું
પાનખરમાં પાંદડા ક્યાંથી લાવવા?
અંધારે ભીનાશ વિસ્તરે છે ચારેકોર
ફાનસ ચૂમતા જીવડાં ક્યાંથી લાવવાં ?
વણ વપરાએલી છત્રીઓ ઘણી પડી
ચ્હાની લારીનાં છાપરા ક્યાંથી લાવવાં ?
આભ તો તાળી પાડીને આવકારે
પણ ભીંજાવાના હામ ક્યાંથી લાવવાં ?
છે કાગળ અને કલમને હાથ વેતમાં
ખળભળતા શબ્દો ક્યાંથી લાવવાં?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply