છીપ મોતીની કણસ મેં સાચવી છે
બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે
ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ
સાત દરિયાની તરસ મેં સાચવી છે
ફૂલ, કુંપળ, પાંદડા તે સાચવ્યા ને
પાનખર વરસોવરસ મેં સાચવી છે
લાલ-પીળા રંગ ઘોળીને નજરમાં
સાંજની પીડા સરસ મેં સાચવી છે
આ કલમ, કાગળ અને એકાંત જેવી
બસ, અમાનત આઠ-દસ મેં સાચવી છે
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply