સમયની રેત પર તૂટી ગયા છે પ્યારના ચશ્માં,
વફાના હાથમાં આવી ગયા તલવારના ચશ્માં.
ગઝલના કંઠમાં દેખાય છે કૈ’ પારકા રંગો,
દુકાનોમાં મળે છે ભલભલા આકારના ચશ્માં.
ભલે રૂઠીને એ, છણકો કરી માપી ગયા રસ્તો,
નથી હોઠો ઉપર પણ, મનમાં છે ઈકરારના ચશ્માં.
ગરજ હો એટલી કિંમત કરે છે સ્વાર્થના દરીયા,
જરૂરતના ફરે છે જ્યાં ને ત્યાં કિરદારના ચશ્માં.
નવારસ્તા, નવાબ્રિજો, જીએસટી, નોટબંધીથી,
પરિવર્તન જુઓ, પહેરી તમે સરકારના ચશ્માં.
ઘણા મોટા અમીરો, હાથ જોડે છે, ગરીબોથી,
કે,જાણે હો’ ઉદાસીના મુખે લાચારના ચશ્માં,
હવે ક્યાં ચેન, રાહત, શોધશો ‘ સિદ્દીક ‘નવા યુગમાં!
અજંપાથી બધા બિમાર છે સંસારના ચશ્માં.
મને એવી મળી ‘ સિદ્દીક ‘ દુનિયામાં વફાદારી,
નજરમાં પ્રેમ હો’ ને હાથમાં વેપારના ચશ્માં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply