બીજું તો થઇ શકે શું, વાતો માં વાત ટાંકી,
ઘટના પછી ઘટેલી ઘટના ગળે ઉતારી.
એવો તો કંઈ ઘરોબો એનાથી છે નહીં પણ,
સાચું કહે છે એથી દર્પણને લઉં છું સાંખી.
એ મેઘ તો નથી કે ગાજે છતાં ન વરસે,
આ લાગણી છે એ તો વરસે છે બારમાસી.
એને કળા, કસબ કે કૌવત કહો છો કિન્તુ,
હૈયું ને હાથ બાળી, હળવાશ મેં ટકાવી.
હોવાનો ને થવાનો મેં સાર સમજી લીધો,
આથી વધારે નિસ્બત મારાથી મેં ન રાખી.
હા, તેજ ચાંદ જેવું અહિં રાખવું છે એથી,
ઓછા-વત્તા થવાની ગુંજાશ મેં વધારી.
વાઘા ઉછીના પહેરું એવી જગાએ ક્યાં છું ?
મારી જ સાથે હું તો કાયમ કરું ઉજાણી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply