||છંદ જાત: મનહર||
તનની સુવાસ એની કસ્તુરી સુગંધ લાગે,
પવન સપાટે ઉડે છુટ્ટા એનાં વાળ છે,
ચાંદલાનો ચાંદ જહીં ઝળહળ થાય એવું,
સ્વચ્છ સ્વચ્છ આભ જેવું તેજસ્વી કપાળ છે,
છીપમાં સમાય જાણે મોતી એવી આંખ અને,
નખરાં હોઠોમાં ઝરે મદની પસ્તાળ છે,
કરણ વીંધીને જડ્યાં સપ્તર્ષિ સમૂહ તારા,
લાલ લાલ ગાલ કેરી જાદુગરી જાળ છે
||૧||
ગળા પર આલિંગન પરસેવો કસે ત્યારે,
સરકતી બુંદ બુંદ ઝાકળની ઝાર છે,
આંબા ડાળે મોર ઝૂલે ભાન ત્યાં કોકિલ ભૂલે,
ઘટ્ટ ઘાટ ઘાટીલો એ કળશનો ભાર છે,
ઢળતી કમ્મર જાણે કુંજાનો ઢોળાવ લાગે,
કટિ મેખલાને જોઈ હૈયું તારતાર છે,
નાભિ રૂપી કમળથી વેંત છેટું સ્વર્ગ મળે,
તલસાટ થાતો જાણે યૌવન ઉભાર છે
||૨||
ઉત્તર દખ્ખણ દિશા હીંચતાં નિતંબ એનાં,
ચાલમાં એ લાગે ત્યારે નાગણની ચાલ છે,
ઊંચું કદ કાયા ભારી સબળ કાઠીની નારી,
હથેળીનો સ્પર્શ જાણે રેશમી રૂમાલ છે,
રૂંવાડે રોમાંચ લાગે મદનનાં બાણ વાગે,
કામિનીનાં કામણથી હાલ બી બેહાલ છે,
જોગ ઉપભોગ એનો કરવો ચરમ સુખ,
ધરતી સરગ કરે એવી એ કમાલ છે
||૩||
~ ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Leave a Reply