સાસુને કેડે લટકતો
ચાવીનો ઝુડો ,
મળ્યો હતો એમને
એમની સાસુ તરફથી,
પેઢી-દર પેઢી હસ્તાન્તરિત થતો…!
ઘણી ચાવીઓ ઘસાઈને
ટૂંકી થવા માંડી હતી હવે…
દર પેઢીએ એક-એક
પરંપરા તૂટવાનો
પ્રભાવ હશે શાયદ…
એટલે જ
એક એક ચાવીનું
આગવું મહત્ત્વ હતું…
ચાવી – અસ્તિત્વની ઓળખ ભૂલવાની.
ચાવી – અન્યાયને મૂંગા મોઢે સહન કરવાની.
ચાવી – ખાનદાની ખોટું નાક ઉંચું રાખવાની.
ચાવી – વૈચારિક જડતાને વળગી રહેવાની.
ચાવી – ઉંબર ઓળંગી પોતાની ઓળખ
પ્રસ્થાપિત ન કરવાની.
પણ,
આજની સાસુએ
નવી વહુને મુક્ત કરી,
લગ્નની બીજી જ સવારે
પરંપરાનો ઝુડો ન આપીને.
એમ કહીને કે,
પિયરમાં રહી છે એમ જ અહીં રહેજે.
ને વહુને દિકરી બનાવવાના
મારા યજ્ઞમાં મદદ કરજે.
જૂની જડતાની પહેલી આહુતિ
આપણી બેઉંની સહિયારી.
આ વર્ષના શ્રાદ્ધપક્ષમાં
કાગવાસ વેળા જ્યારે
એક પણ કાગડો
છાપરે ન બેઠો, ત્યારે
અડોશ-પડોશને કુટુંબમાં
સાસુ વિદ્રોહી પુરવાર થયા.
સાસુએ મૌન રહી
એ દિવસે ચબૂતરામાં
બમણું ચણ નાખ્યું.
~ હેમશીલા માહેશ્વરી “શીલ”
Leave a Reply