અરીસાને કાને ધર્યા તો કદર થઇ.
અને જળકમળવત થયા તો કદર થઇ.
ન આશા, અપેક્ષા, અધિકાર, હક્કો
આ શરતોની સાથે રમ્યા તો કદર થઇ.
મળ્યો’તો ઉતારો મજાનો એ છોડી,
સમયસર પરત થઇ ગયા તો કદર થઇ.
સરોવર થવાની હતી શક્યતા પણ,
ઝરણ થઇને સહુમાં વહ્યા તો કદર થઇ.
નથી નામ જાણીતું એમ જ થયું કંઈ,
પરિચયમાં ખુદના રહ્યા તો કદર થઇ.
આ ગુલમ્હોરના તેજની છે હકીકત,
કે, ચૈતરના રાગે પડ્યા તો કદર થઇ.
જગત, જાત, ઈશ્ર્વરને જાણ્યા છતાં યે
અમે આપને ઓળખ્યા તો કદર થઇ.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply