અનુભવ ગજા બ્હારનો પણ મળે છે
વળી ખુદને મળવા સમો પણ મળે છે
હકીકતને હળવી કરે એક પળમાં,
નજર સામે એ કલ્પનો પણ મળે છે.
સવાલો છે એથી આ હોવું ટક્યું છે,
દિલાસો એ હૈયાવગો પણ મળે છે.
ઘડી બે ઘડી ફૂલો શણગારે ખુદને,
એ ઝાકળભીનો આયનો પણ મળે છે.
મળે છે ઘણું યે જો ધીરજ ધરો તો,
તરસને કદીક વીરડો પણ મળે છે.
સમયસર થવામાં અહીં ફાયદો છે,
સમયનો અસલ વારસો પણ મળે છે
અગર “હું ” ને વારો, ટપારો, પ્રમાણો,
ને, ધારો તો “હું ” જાગતો પણ મળે છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply