હતા બેચાર એમાંથી ઘણા થતા ગયા
હતા બેચાર એમાંથી ઘણા થતા ગયા;
વહેંચાતા રહ્યા તો સો ગણા થતા ગયા.
અમે વીંઝાઈ જઈને વીંઝણા થતા ગયા,
ન સાબિત થઈ શક્યા તો ધારણા થતા ગયા.
પ્રસંગો પથ્થરો માફક થતા ગયા કઠિન,
અમે પણ એની સામે ટાંકણા થતા ગયા.
અચાનક કોઈ આવીને મને વીણી જશે,
અમે તડકે તપીને ઈંધણાં થતા ગયા.
સતત ખાલીપણું ઊંચું થતું ગયું અને-
પછી તો આપણે પણ ઠીંગણા થતા ગયા.
– અનિલ ચાવડા
Leave a Reply