એક બાજુ ચીસ છે
એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે;
એ જ મારો વાંક કે મેં બેઉ ચીજો સાંભળી છે.
તું નહીં જોઈ શકે – જાણી શકે મારા વિચારો,
મારી ઇચ્છાઓ હવા કરતાં ય ખૂબ જ પાતળી છે.
ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યો છું,
ને સ્વજન સામે તરફ છે એ ઘણો બાણાવળી છે.
વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.
બેઉને હોવાપણું પેટાવવાની તક મળી છે,
મારી પાસે ટાઢ છે ને તારી પાસે કામળી છે.
– અનિલ ચાવડા
Leave a Reply