શબ્દ નહિ, સંકેત નહિ…
શબ્દ નહિ, સંકેત નહિ જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?
આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહિ તે લૂછવું કઈ રીતથી?
તું કહે છે સાવ ભૂલી જા મને ને હું ય કોશિશ તો કરું,
જળ વડે પથ્થર ઉપરનું કોતરેલું ભૂંસવું કઈ રીતથી?
તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે?
ને ઉપરથી ઘૂંટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી?
હાથ લંબાવ્યો અને ભોંઠો પડ્યો ને ડાળ પણ શરમાઈ ગઈ,
આ ખરેલા ફૂલને જો ચૂંટવું તો ચૂંટવું કઈ રીતથી?
હું હવે સંપૂર્ણ તારો થઈ ગયો છું, હું હવેથી હું નથી,
પ્રશ્ન એ છે કે મને મારી કનેથી ઝૂંટવું કઈ રીતથી?
– અનિલ ચાવડા
Leave a Reply