આ રીતે વાટ શબરીને જોવાય નૈં,
રામ પણ ના મળે એને, બોરાંય નૈં.
થાય ત્યાંથી ભડાકા કરે પાનખર,
આ વખત સ્હેજ પણ ખરવું પોસાય નૈં.
‘નમવું’નો અર્થ પણ થાય ઊંચા થવું,
આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નૈં.
હું ય મારામાં ક્યાંયે મળ્યો નૈં તને?
તો મને ક્યાંક તારામાં ગોતાય નૈં?
સાચવીને હૃદયમાં મૂકી દો કશે,
હોય જે ડાઘ ગમતા, તે ધોવાય નૈં.
લ્હેરખી સાથ વંટોળ આવી ચડે,
એ હદે બારી ક્યારેય ખોલાય નૈં.
નીકળે મૃત ઇચ્છાનાં પ્રેતો બધાં,
કોઈના મનમાં બહુ ઊંડું ખોદાય નૈં.
થાય જો ભૂલ મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
– અનિલ ચાવડા
Leave a Reply