શ્હેરના ડામર ઉપર રણની કસુંબલ સાંઢણી લઈને,
નીકળ્યો છે એક મુસાફર અજાણી માંગણી લઈને.
જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.
સાચું કહું તો આંખમાં બે-પાંચ કૈં દ્રશ્યો ફસાયાં છે,
સૌ ભલે કે’તા ફરું છું આંખમાં હું આંજણી લઈને.
તૂટતું હો કૈંક તો એને હવે તૂટી જવા દો સાવ,
ક્યાં સુધી મથતા રહેશો આ તમારી સાંધણી લઈને?
જાવ જઈને કોઈ રોકો, નીકળ્યા છે સેંકડો લોકો;
ફોડવા પથ્થરના ફુગ્ગાઓ રબરની ટાંકણી લઈને.
– અનિલ ચાવડા
Leave a Reply