ઊંઘ પાંપણો વચ્ચે ચગદી સપનામાં બાકોરું પાડ્યું;
ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું.
અંઘારાને વાટી પીધું, અજવાળાને દાટી દીધું;
સૂરજ થઈને મેં જ સ્વયંના તડકામાં બાકોરું પાડ્યું.
હૃદય ક્યાંક બીજે સંધાયું, શ્વાસ શ્વસાયા બીજા સાથે;
અડધું જીવન સાજું રાખ્યું, અડધામાં બાકોરું પાડ્યું.
શોધ્યું સ્મિત રુદનની અંદર, ‘બળવું’માં ઝળહળવું શોધ્યું;
કોને કહેવું કેવી કેવી ઘટનામાં બાકોરું પાડ્યું.
કર્યા હતા એ બધા ગુનાઓ ચોક વચાળે લીધા કબૂલી,
તેં અફવાની ભીંત ચણી મેં અફવામાં બાકોરું પાડ્યું.
– અનિલ ચાવડા
Leave a Reply