ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે? હેં મા?
ઊભા ઊભા ખાલી એને ચડે થડે? હેં મા?
હદથી ઝાઝી ક્યાંય વગાડે કા’ન વાંસળી,
એને પણ દાદાની માફક શ્વાસ ચડે? હેં મા?
દૂર આભમાં ધડબડ ધડબડ શું ગાજે છે?
મારી જેમ જ પ્રભુ સ્વર્ગમાં રમે દડે? હેં મા?
કાલ ‘પરી’ને સો રૂપિયાની નોટ જડી’તી,
એમ મને પણ સપનાંઓની બેગ જડે? હેં મા?
તેં કીધું’તું ત્રણ પગલે ત્રણ લોક સમાવ્યા,
હું પણ એવું કરી શકું આ ચરણ વડે? હેં મા?
વાસણ પડતા વ્હેંત કેટલો અવાજ આવે!
કાં ના આવે અવાજ, જ્યારે સાંજ પડે? હેં મા?
– અનિલ ચાવડા
Leave a Reply