તું જ હો જો ગીત મારું તો ગઉં;
હું નહીંતર આજીવન મૂગો રઉં.
એમ છે તારામાં મારી હાજરી,
જેમ કોઈ રંકના ઘરમાં ઘઉં.
વારતામાં આવતા રાક્ષસ સમું,
એકદમ એકાંત બોલ્યું કે, ‘ખઉં?’
હોઠ પર બેઠું પતંગિયું છતાં,
કેમ સ્હેજે હું ન રોમાંચિત થઉં?
બાળપણમાં જેમ મા કરતી હતી,
એક કિસ્સાએ કર્યું એમ જ ‘હઉં!’
હું અહીં હાજર હતો, છું ને છઉં,
તું કહે છે આ બધાને કે કઉં?
– અનિલ ચાવડા
Leave a Reply