‘જો’ અને ‘તો’ની વચોવચ આપણે ઊભા છીએ,
કબ્બડી-ખોની વચોવચ આપણે ઊભા છીએ.
ઘોડિયાના હીંચકાથી લઈ અને સમસાન લગ,
‘હસ અને રો’ની વચોવચ આપણે ઊભા છીએ.
સાંધીએ વર્ષોથી, સંધાતી નથી તો પણ હજી;
કઈ તિરાડોની વચોવચ આપણે ઊભા છીએ?
જિંદગી ને ગુર્જરી ભાષાની તુલના થાય તો,
‘થોભ’ ને ‘ગો’ની વચોવચ આપણે ઊભા છીએ.
રોજ જોતી સૃષ્ટિ આપણને ટિકિટ લીધા વિના,
શ્વાસના શૉની વચોવચ આપણે ઊભા છીએ.
ખાલી છે એ વાત છોડો; એટલું પૂરતું નથી?
ફૂલછાબોની વચોવચ આપણે ઊભા છીએ.
આપણા આ પ્રેમને વર્ષો થયાં તો પણ હજી,
‘યસ’ અને ‘નો’ની વચોવચ આપણે ઊભા છીએ.
– અનિલ ચાવડા
Leave a Reply